દિવસો નહીં, કલાકોના હિસાબે વધી રહેલી આ મોંઘવારીની ઉધ્ર્વગામી દોડ આમ જ ચાલુ રહી તો? એક કલ્પના...
મરદનાં દાઢી-મૂછની જેમ મોંઘવારી રોજેરોજ વધી રહી છે. બધી ચીજવસ્તુઓના ભાવ કચ્ચી કચ્ચીને બેકાબૂ થઇ રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીની હાલત એકદમ સિરિયસ થઇ જાય ત્યારે ડોક્ટર જેમ હાથ ઊંચા કરી દે બરાબર એજ રીતે સરકારે ભાવવધારાની બાબતમાં ‘હાથ અધ્ધર’ કરી દીધા છે. મોંઘવારી યાની કી ભાવવધારાએ આપણા બધાની લાઇફની વાટ લગાડી દીધી છે. (આટઆટલું થયા પછીયે આપણે ચૂં કે ચાં પણ નથી કરતા એ વાત જુદી છે.
પહેલાંના વખતમાં કોઇ વસ્તુની કિંમતમાં એકાદ-બે રૂપિયા પણ વધે તો સરકાર ઊથલી પડે એવાં આંદોલનો થતાં’તાં એવું ઈતિહાસમાં નોંધાયેલું છે. જ્યારે અત્યારે?!) આ કાળઝાળ કરપીણ કાળમુખી મોંઘવારીને કારણે આપણી લાઇફસ્ટાઇલ યાની કી ‘જીને કી રાહ’ બદલાવા માંડી છે. થોડા જ વખતમાં આપણી ડે-ટુ-ડે લાઇફમાં ધરમૂળમાંથી ફેરફાર આવી જશે એવું લાગી રહ્યું છે. મોંઘવારી આપણી પાસે કેવા કેવા ખેલ કરાવશે એના વિશે થોડું ‘સોચી’ લઇએ.
કોઇ પોલીસ આપણને પકડે ત્યારે મોટેભાગે આપણે પચાસ-સો રૂપિયાનો ‘તોડ’ કરી છટકી જતા હોઇએ છીએ. એની જગ્યાએ હવે દૂધની ચાર કોથળી આપી ‘સેટિંગ’ કરવું પડશે. સરકારી ઓફિસમાં કામ કરાવવા માટે ‘અંડર ધ ટેબલ’નો વહેવાર કરવો પડતો હોય છે. જેમાં હવે હજાર રૂપિયા રોકડાની જગ્યાએ ત્રણ કિલો રેશમપટી મરચું અને ચાર કિલો ધાણાજીરું આપી પતાવટ કરવી પડશે. (આખી વાત ‘મસાલેદાર’ લાગે છે ને બોસ?!) ક્યાંક કોઇ મોટા ઓફિસરને ફાઇલ પાસ કરી આપવા માટે ઘી કે તેલનો ડબો એમના ચરણે ધરવો પડશે તો કોઇક અફસર બાબુને તુવેરની દાળના ‘કટ્ટા’નો ભોગ ચડાવવો પડશે.
દિવાળી સમયે મીઠાઇના પેકેટની જગ્યાએ અથવા તો ડ્રાયફ્રૂટના બોક્સની જગ્યાએ ડુંગળી, બટાકા, ટમેટાંની થેલીઓની ભેટ મોકલવી પડશે. આજકાલ નેતાઓને રૂપિયાની નોટોના હાર બનાવી પહેરાવવામાં આવે છે. એની જગ્યાએ હવેથી ભીંડા, રિંગણાં, દૂધી, કાકડી બાંધી હાર પહેરાવવામાં આવશે. (જેની કિંમત હજારની નોટોના હારથી પણ વધારે થઇ જશે, લખી રાખો બોસ...!) લગ્નમાં ચાંદલા તરીકે રોકડા કવર આપવાની જગ્યાએ બટર-ચીઝ-પનીરનાં પેકેટ આપવામાં આવશે. દીકરીઓને કરિયાવરમાં ઘઉં, ચોખાની ગૂણો-‘બોરીઓ’ આપવામાં આવશે. (દહેજના લાલચુઓ તો ત્યારે પણ નહીં સુધરે. એમની ડિમાન્ડ ફ્રજિ, ટીવી, મોટર વગેરેમાંથી બદલાઇને આવી ગૂણોમાં થશે. દર વર્ષે એ લોકો આવી ગુણોની માગણી પણ કરશે અને આવી ‘ભયંકર’ માગણી કરવા બદલ એમને જેલની સજા પણ થશે).
પત્ની કે પ્રિયતમાને રીઝવવા માટે ‘પુષ્પગુચ્છ’ (ગજરો, યાર!) આપવાની જગ્યાએ પાલક-મેથીની ભાજીની ઝૂડીને બુકેની જેમ જ બેય હાથમાં પકડી સ્નેહપૂર્વક ધરવાનો રિવાજ શરૂ થશે. વેલેન્ટાઇન-ડેના દિવસે રેડ-રોઝ આપવાની પ્રથા બંધ થશે તેની જગ્યાએ પ્રેમીજનો એકબીજાને કોબી-ફ્લાવર આપી અને પ્રેમનો ‘ઇકરાર ઇઝહાર’ કરશે. ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડને બર્થડે ગિફ્ટમાં ટિંડોડા, ફણસી, કંકોડા, પરવળ ગિફ્ટ પેક કરીને આપવામાં આવશે.
જાહેર સમારંભમાં શાલ ઓઢાડી-આખું કોળું આપી સન્માન કરવામાં આવશે. શાકભાજી અને કરિયાવરની વસ્તુઓના ભાવ એટલા ભયંકર વધી ગયા છે કે એમની દુકાનની બહાર સશસ્ત્ર ચોકીદાર ઊભા રાખવા પડશે. શાક-બકાલું લઇને નીકળનારા શાકની લારીવાળાઓની સાથે મશીનગન સજજ બ્લેક-કેટ કમાન્ડો કરડાકીથી દોડતા હશે. આજકાલ તો સોનાના હાર-અછોડા તોડીને બાઇક પર ભાગી જનારા ગુંડાઓનો આતંક છે, પણ થોડા જ સમયમાં શાકની થેલીઓ આંચકી જનારી ગેંગ અસ્તિત્વમાં આવી જશે.
મોટી બેંકો મકાન-ગાડી લેવા માટે લોન આપે છે તેવી જ રીતે વરસનું કરિયાણું-અનાજ ભરવા માટે લોન આપશે અને બેંકોની બહાર પાટિયાં મારેલાં હશે કે ‘અમારે ત્યાંથી ઘઉં-ચોખા-દાર માટે લોન મલસે...’ પેટ્રોલના ભાવ તો એવા ભયંકર વધી જશે કે લોકો બેંકના લોકરમાં પેટ્રોલની બોટલ ભરીને મૂકી આવશે. અત્યારે લોકો સોનાની લગડીઓ લઇને મૂકીદે છે, તેમ ટૂંક સમયમાં જ લોકો પેટ્રોલના કેરબા ભરી કોલ્ડસ્ટોરેજમાં મૂકી દેશે. લોકો ગળામાં જેમ હીરાનું પેન્ડન્ટ પહેરીને ફરે છે તેવી જ રીતે ટૂંક સમયમાં બધા દવાની નાની-નાની શીશીઓમાં ચમચી ચમચી પેટ્રોલ ભરી ગળામાં હારથી જેમ પહેરીને ‘દેખાડા’ કરતાં ફરતાં નજરે ચડશે.
લસણ-ડુંગળીના ભાવ તો ફાટીને એવા ધુમાડે ગયા છે કે થોડા જ વખતમાં જેના મોઢામાંથી ડુંગળી-લસણની વાસ આવતી હશે એને કરોડપતિ ગણવામાં આવશે. મારા વાલીડાંવ બધીયે વસ્તુના ભાવ આટલા બધા વધી ગયા છે ત્યારથી ઢોર-પ્રાણીઓ પક્ષીઓની ઇષ્ર્યા નથી થતી...?? સાલું, આના કરતાં તો વલ્કલ પહેરીને ઝાડ-પાન ખાવા સારા. ખરું કે નહીં...?!
vinaydave61@hotmail.com
La-ફ્ટર, વિનય દવે
No comments:
Post a Comment